વડોદરા પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો.
વોર્ડ 11 ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ ખેંચ્યું પરત.
કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. ત્યારે અંતિમ દિવસે વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ બે દિવસથી સંપર્ક વિહોણા હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખે ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું. તેઓના ઘરે તાળું માર્યું હતું અને તેઓના પરિવારજનો પણ કોઈ માહિતી આપી રહ્યા ન હતા. ત્યારે આજે સવારે તેઓ અકોટા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું. અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યાં હતા. શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યા હતા કે, ભાજપ ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવી હતી અને તેઓને લાલચ પણ આપવામાં આવી હતી. કાલથી ઉમેદવાર સંપર્ક વિહોણા હતા અને આજે તેઓએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.
ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેઓએ કનુ પ્રજાપતિ વિરુધ્ધ પણ નારેબાજી કરી હતી. તો કનુ પ્રજાપતિને લઈને જે વ્યક્તિ આવ્યા હતા તેઓ પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા. વડોદરામાં છેલ્લા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
