રાજકોટ વોર્ડ 13 માં ભાજપનો મોટો ખેલ.

Featured Video Play Icon
Spread the love

રાજકોટ વોર્ડ 13 માં ભાજપનો મોટો ખેલ.
અપક્ષ ઉમેદવાર રાજુ મૈયડે ભાજપને જાહેર કર્યો ટેકો.
વોર્ડ 13 માં ફેલાયેલી નારાજગીનું આવ્યું સુખદ નિરાકરણ.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ રચના અપનાવીને વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં મોટી સફળતા મેળવી છે.

રાજકોટમાં ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, તેનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષોનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોએ હવે ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં ભાજપ સંગઠન સફળ રહ્યું છે. રાજુભાઈ મૈયડે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, ગત ચૂંટણીમાં એકમાત્ર વોર્ડ નંબર 15 માં કોંગ્રેસનાં ચાર કોર્પોરેટરો ચૂંટાયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના વશરામ સાગઠીયાને હરાવવા માટે આ એક વ્યૂહાત્મક ચાલ ચાલી હોય તેમ જણાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 16 અને 18 માંથી પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર લાવીને કુલ 4 ફોર્મ પરત ખેંચાવતા ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો છે. અને કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તે શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે

ભાજપના આગેવાનોએ આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજુભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. અગાઉ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના 4-4 ઉમેદવારો અને બસપાના 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર હવે ભાજપની સાથે ભળી ગયા છે. આ ઉપરાંત સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 15માં જોવા મળ્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ‘આપ’ પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ અચાનક જ ફોર્મ પરત ખેંચીને ભાજપને ટેકો આપી દીધો છે. આ આખા ખેલ પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ સોરાણીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો હોવાથી હવે તેઓ ભાજપને જીતાડવા માટે મેદાને પડ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *