ભાવનગરમાં જૂની અદાવતને લઈને તળાજાના સિખ દંપતિ પર હુમલો
ચાર શખસોએ જીવલેણ હુમલો કર્યો
ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતાં હુમલાખોરોએ તમંચો કાઢયો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રહેતા સરદારજી તેની પત્ની સાથે પાલીતાણા થી બાઈક લઈને તળાજા પરત જઈ રહ્યા હતા ત્યારે સિહોરના ચાર હુમલાખોરોએ દંપતિને રસ્તા વચ્ચે આતરી તલવાર, છરી ,પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી ફરાર થઇ જતા ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરમાં રહેતા અને ગામડાઓમાં ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા સરદારજી સતનામસિંઘ ગુરૂચરણસિંઘ બાવરી ને થોડા વર્ષો પહેલાં સિહોરમાં રહેતા અને ભૂંડ પકડવાના વ્યવસાય ધરાવતા તેની જ જ્ઞાતિના શખ્સો સાથે માથાકૂટ થઈ હતી આર્થિક મામલે થયેલ ઝઘડા સંદર્ભે અગાઉ પણ પોલીસ કેસ થયા હતા દરમ્યાન આજરોજ સરદારજી સતનામસિંઘ ગુરૂચરણસિંઘ બાવરી તથા તેની પત્ની રોશન કૌર સવારે તળાજા થી બાઈક લઈને પાલીતાણા સતનામસિંઘના ભાઈ,ભાભી પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય તેમની વરસી નિમિત્તે પાલીતાણા આવ્યા હતા અને સાંજે બાઈક લઈને પરત તળાજા જઈ રહ્યા હતા ત્યારે પાલીતાણા – તળાજા રોડ પર ડેમ ચોકડીથી આગળ સિહોરના ચાર શખ્સો કાર લઈને સતનામસિંઘની બાઈકનો પીછો કરી બાઈક પાછળ પહોંચ્યા હતા અને કારથી બાઈકને ટક્કર મારી દંપતિને રોડ પર પછાડી દેતા સતનામસિંઘ જીવ બચાવવા ઉભો થઈ રોડ કાંઠે આવેલ વાડીમાં ભાગતા હુમલાખોરો એ તેનો પીછો કરી વાડીમાં આંતરી પાઈપ, તલવાર, છરી વડે હુમલો કરતા સતનામસિંઘની પત્ની રોશનએ પતિને બચાવવા રોડ પર દેકારો કરતા લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં એક હુમલાખોરએ દેશી તમંચા જેવું હથિયાર કાઢી સતનામસિંઘ સામે તાકી તેને ભડાકે દેવાનો પ્રયત્ન કર્યો હતો..
હુમલા દરમિયાન લોકોનાં ટોળાં એકઠાં થતા હુમલાખોરો ગન ફાયર કરવાનુ પડતું મૂકી જતા જતા સતનામસિંઘ ને તથા તેની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા માટે હતા જ્યારે ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે…
