સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં ગેરરીતિના આક્ષેપો
એસડીસીએ સભ્ય પ્રતીક શાહે ગંભીર આરોપો લગાવ્યા
કોચિંગ અને સિલેક્શન પ્રક્રિયા સામે ઉઠ્યા સવાલ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે એસડીસીએમાં ગેરરીતિ અને ગંદી રાજનીતિના આક્ષેપોથી ખળભળાટ મચ્યો હતો. એસડીસીએના સભ્ય પ્રતીક શાહે કોચિંગ, સિલેક્શન પ્રક્રિયા, નાણાકીય વ્યવહારો અને ખેલાડીઓના ભવિષ્યને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતાં.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશનની મળેલી મીટીંગમાં પ્રતીક શાહએ આક્ષેપો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે ભૂતકાળમાં એક કોચ દ્વારા મહિલા ખેલાડીને સિલેક્શન માટે રાત્રે ચેટિંગ કરવાની માંગણી કરતો મેસેજ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના આક્ષેપો છતાં સંબંધિત કોચને સંસ્થાના કેટલાક હોદ્દેદારો દ્વારા છાવરવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. માત્ર સિલેક્શન જ નહીં, પરંતુ એસડીસીએના નાણાકીય વ્યવહારોને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ટેન્ડરિંગ અને યોગ્ય ઈન્વોઈસ વિના સેક્રેટરીના અંગત ઈમેલથી વ્યવહારો થયા હોવાનો આક્ષેપ છે. આઈએસપીએલ પેમેન્ટમાં પાંચ કરોડ રૂપિયાની રકમ સામે અઢી કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો. પ્રતીક શાહે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ક્રિકેટ સેક્રેટરી, હેડ કોચ અને કેટલાક સિલેક્ટરો ખાનગી એકેડેમી ચલાવે છે અને તેના કારણે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રતિભાશાળી ખેલાડીઓના ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે. ખેલાડીઓના બે-બે જન્મ પ્રમાણપત્રો હોવા છતાં કાર્યવાહી કરવાને બદલે મામલો ઢાંકવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયા હતાં. બહારના ખેલાડીઓને તક આપી સ્થાનિક ખેલાડીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. સિલેક્શન ટ્રાયલ્સમાં ઓનલાઈન સ્કોરિંગ સિસ્ટમ ન હોવા અને વધુ ફી ધરાવતી મેચોના અમ્પાયરિંગ રોસ્ટરમાં નાણાંની વસૂલાત થતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરાયા હતાં. પ્રતીક શાહએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દસ વર્ષમાં અંદાજે 200 જેટલા સ્થાનિક ક્રિકેટરોની કારકિર્દીને નુકસાન થયું છે. આ મામલે પુરાવાઓ સાથે પોલીસ સમક્ષ જવાની તૈયારી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
