સુરત પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી
બાંગ્લાદેશીઓને પરત મોકલવા માટે જેઆઈસીને જવાબદારી સોંપાઈ
ફોનમાં પ્લસ 88 કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોગ્સ ચકાસતા ઓળખ સામે આવી

સુરત સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. ત્યારે સુરતમાંથી ઝડપાયેલા 100 થી વધુ બાંગ્લાદેશીઓને તેમને દેશમાં મોકલવા માટે જેઆઈસીને જવાબદારી સોંપાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન હાથ ધરાયુ હતું. સુરતના ભેસ્તાનના ઊન વિસ્તારમાંથી 100થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા. આ લોકો ઈસ્માઈલ નગર અને સાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝૂંપડીઓમાં વસવાટ કરતા હતા. પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યાર બાદ આ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈ ભાગી છૂટ્યા હતાં. આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે, તેમના પતિ બાંગ્લાદેશી છે તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી છે. એક મહિલા સાત વર્ષના લગ્નજીવન બાદ અને બે બાળકોની માતા હોવા છતાં આ સત્યથી અજાણ રહી હતી. બીજી મહિલાએ ત્રણ વર્ષના લગ્ન પછી કહ્યું કે તે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે. પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક બન્યા હતાં.

પોલીસે ગેરકાયદેસર વસવાટ કરનાર બાંગ્લાદેશીઓને ઓળખવા એક નવી ટેકનિક અપનાવી હતી. મોટા ભાગના બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવતાં હતા, પણ તેમના મોબાઈલ ફોનમાં પ્લસ 88 કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોગ્સ ચકાસતા તેમની ઓળખ સામે આવી હતી. ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા જેનો પુરાવો બન્યો છે. હાલ તો સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે જે.સી.આઈ. એટલે કે જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરને જવાબદારી સોંપી છે. જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *