સુરત અમરોલીની વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો
મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલ
સુરતના અમરોલીમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો છે. પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો લાંબા સમયથી દર રવિવારે નિયમિત સાપ્તાહિક રજાની માંગ કરી રહ્યા હતા. શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે રજાના મુદ્દે વિવાદ થતાં મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી વિરોધમાં ઉતરી આવ્યા હતા. કારીગરોએ આક્ષેપ કર્યો હતો કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
સાપ્તાહિક રજાના નિયમનું પાલન કરવાની માંગ સાથે શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
