રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ.
ડ્રાઈવર સાદિક મુરમાએ વિક્રમ ડાંગર પર કર્યા ગંભીર આક્ષેપ.
પગલું ભરતા પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
રાજકોટ શહેરમાં સિટી બસ સેવાના કોન્ટ્રાક્ટર અને ભાજપના કાર્યકર વિક્રમ ડાંગર સામે ગંભીર આક્ષેપો સાથે એક બસ ડ્રાઈવરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડ્રાઈવરે આ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી છે.
છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શાહદીક સુલતાન નામના યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આપઘાત પૂર્વે વાયરલ કરેલા વીડિયોમાં શાહદીકે આરોપ લગાવ્યો છે કે, બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર તેને છેલ્લા 6 મહિનાથી માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. આટલું જ નહીં, તેને કોઈપણ કારણ વગર નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો અને નિયમ મુજબ મળવાપાત્ર બોનસની રકમ પણ ચૂકવવામાં આવી નહોતી. આ આર્થિક અને માનસિક દબાણ હેઠળ આવીને ડ્રાઈવરે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ડ્રાઈવરને છેલ્લા 6 મહિનાથી સતત હેરાનગતિ કરવામાં આવતી હતી.નોકરીમાંથી છૂટા કર્યા બાદ કાયદેસરનું બોનસ ચૂકવવામાં આવ્યું નથી.હકની રકમની ઉચાપત કરવાનો અને રાજકીય વગના આરોપ લાગ્યા છે. આરોપ છે કે, ભાજપના કાર્યકર હોવાના નાતે નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
આ પહેલીવાર નથી જ્યારે વિક્રમ ડાંગર ચર્ચામાં આવ્યા હોય. અગાઉ 16 એપ્રિલ 2025 ના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દ્વારા થયેલા ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તે સમયે પણ આક્ષેપો થયા હતા કે વિક્રમ ડાંગર શાસક પક્ષ ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને કડક કાર્યવાહી ટાળવામાં આવી રહી છે, હાલમાં ડ્રાઈવર શાહદીક સુલતાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ વાયરલ વીડિયો અને ડ્રાઈવરના આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ઘટનાને પગલે રાજકોટમાં શ્રમિકોના હિત અને કોન્ટ્રાક્ટરોની જોહુકમી સામે રોષ જોવા મળી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
