ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન.
ભાજપ ના બે દિગ્ગજો વચ્ચે ચૂંટણી જંગ.
ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ.
ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે 9 વાગ્યેથી શરૂ થઈ હતી. દૂધધારા ડેરીની 14 બેઠકો માટે મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે મતગણતરી થશે.
ભરૂચમાં 900 કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી, સીધી ટક્કર આપી છે. ચૂંટણીમાં કુલ 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહ પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આજે બાકીની 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બંને પક્ષના ભાજપના આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણે બાજી મારી છે. અપક્ષ ઉમેદવારો મહેશ વસાવા અને જીગ્નેશ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો કે, તેમની પેનલમાંથી ઓછામાં ઓછા ચાર ઉમેદવારો ચોક્કસપણે વિજયી બનશે. વસાવાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો તેમની પેનલ જીતશે, તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ખુલ્લો ટેકો જાહેર કરશે. બીજી તરફ અરુણસિંહની પેનલના જિગ્નેશ પટેલે પણ પોતાની પેનલ વિજયી બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભરૂચ ડેરીની આ ચૂંટણીમાં રાજકીય સરગર્મી વધુ તીવ્ર બની છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
