સોનગઢ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત
ટેમ્પોની અડફેટે આવતા મોપેડ સવાર મહિલાનું કરુણ મૃત્યુ,
ટેમ્પોમાં પશુ હેરાફેરીની આશંકા વ્યક્ત કરાઈ
સોનગઢ નેશનલ હાઈવે પર નવાપુર સાઈડથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે બેફામ અને લાપરવાહ ડ્રાઇવિંગ કરી આગળ જઈ રહેલા મોપેડને અડફેટે લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ પર સવાર મહિલાનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોપેડ ચલાવી રહેલા તેમના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવાના નાદમાં અકસ્માત સર્જાયો છે. (RJ 21 GI 4142) ટેમ્પોની અદરની હાલત જોતા કહી શકાય કે નવાપુર તરફથી પશુ ખાલી કરી સોનગઢ તરફ આવી રહ્યો હતો. સોનગઢ બ્રિજ પાર કર્યા બાદ ટેકરા પાસે પહોંચતા જ ટેમ્પો ચાલકે આગળ જતાં વાહનોને ઓવરટેક કરવાની ઘેલછામાં અચાનક પોતાની સાઈડ બદલી હતી. આ દરમિયાન પૂરઝડપે આવેલા ટેમ્પોએ ત્યાંથી પસાર થઈ રહેલા મોપેડ નંબર (GJ 26 AG 1735) ને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડ પર સવાર દંપતી નીચે ફંગોળાયું હતું. અકસ્માતની આ કરુણ ઘટનામાં મોપેડ પર સવાર અરવિંદાબેન ખંડુભાઈ ગામીતનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચલાવી રહેલા તેમના પતિ ખંડુભાઈ ગામીતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવી મૃતક મહિલાના દેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
