સુરતની શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ
શહેરના તમામ 9 ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ
330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ કરી 208 નોટિસ
સુરતની શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો હોય તેમ શહેરના તમામ 9 ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ કરી 208 નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરભરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર 208 એકમોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી અને નિયમોના ભંગ બદલ 17 હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યા છે. સઘન ચેકિંગ અને કાર્યવાહી દરમિયાન કુલ 4 લાખ 17 હજાર 500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી વિભાગે તમામ ખાદ્ય વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ જરૂરી પ્રમાણપત્રો અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. આવનારા દિવસોમાં પણ આવી તપાસ અને કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
