14 મે સુધી ગુજરાતના 8 એરપોર્ટ બંધ
જામનગર જિલ્લામાં ઇમર્જન્સી જેવી સ્થિતિ,
કલેક્ટરની વેપાર-ધંધા બંધ રાખવા અપીલ
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વનાં સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે. તો સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે. તેમજ આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી. રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈમર્જન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અને રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધા સજ્જ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગતરોજ ગૃહમંત્રીએ જિલ્લા વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે, એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી વોર્નિંગની અનુસંધાને અત્યારે જામનગર શહેર અને જિલ્લામાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ બાબતની સાઇરન પણ વગાડવામાં આવ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લાતંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં કરી હતી. તેમણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહિવટી વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી