અમદાવાદમાં બોપલ બ્રિજ પર ડમ્પર ચાલકે 25 વર્ષના યુવકને ઉડાવ્યો
માતા-પિતાના ઘડપણનો સહારો છીનવાયો
બહેનના ઘરે જમવાનું લેવા જતા ભાઇનું મોત થયું
અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શીલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા બાઈક ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલકને લોકોએ પકડીને પોલીસના સોંપ્યો છે. બાઈક ચાલક જમવાનું લેવા બહેનના ઘરે જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતમાં ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલનું મૌત નીપજ્યું છે. ઉમંગની બહેન શીલજ ખાતે રહેતી હતી. ગઈકાલે રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેનાં માતા-પિતાનું જમવાનું બનાવ્યું હતું. જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો. શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો. રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ડમ્પર ચાલકની ટક્કરનાં કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે ઉમંગનું સ્થળ પર જ મોત થયું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પરચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો. બનાવની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં. બોપલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી