જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના 3 સંચાલકો થયા જેલ હવાલે
બે વર્ષ પહેલાના કેસમાં 3 સંચાલકોને મળી સજા
બેદરકારીને કારણે મહિલા દર્દીનું મૃત્યુ થયું હતું
જૂનાગઢમાં આવેલી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં તબીબી બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થયાના કેસમાં બે વર્ષ બાદ કાર્યવાહી થઈ છે. આ મામલામાં હોસ્પિટલના ત્રણ સંચાલકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
વર્ષ 2023 ના ઓગસ્ટ – સપ્ટેમ્બર મહિના દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 5 સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરિયન ડિલિવરી બાદ, આ પાંચેય મહિલાઓમાં સિરમ ક્રિએટીનાઇનનું પ્રમાણ વધી ગયું હતું, અને તેમને લીવર પર સોજો અને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું, આ પાંચ મહિલાઓમાંથી બેની તબિયત વધુ ગંભીર થતાં તેમને રાજકોટની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું હતું. અન્ય ત્રણ મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર છે અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. મૃતક મહિલાના પતિએ હોસ્પિટલ સંચાલકો અને તબીબો સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતા જોતા, 11 ડોક્ટર્સની એક પેનલ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. તપાસના રિપોર્ટમાં એવું સામે આવ્યું કે હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું ન હતું, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી. રિપોર્ટના આધારે તારીખ 31 જુલાઈ, 2024 ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલકો અને બે તબીબો સામે ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા, હેલ્થ પ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકો સલીમ મુસાભાઈ બારેજીયા, જુનેદ જકરીયાભાઈ પલ્લા, અને સોહિલ હબીબભાઈ સમાની ધરપકડ કરવામાં આવી. તેમને કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. આ કેસ મેડિકલ બેદરકારીના ગંભીર પરિણામો દર્શાવે છે અને હોસ્પિટલના સંચાલકો પર કાનૂની કાર્યવાહીનો આ પહેલો કિસ્સો નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
