અંબાજીના ગબ્બર પર 2 દિવસ દર્શન બંધ.
22 અને 23 એપ્રિલે ગબ્બર પર્વત પર દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી.
યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સેવા પણ બે દિવસ સ્થગિત.
યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણ ગરમીના કારણે મધમાખીઓ ઉડવાના બનાવો બન્યા છે. આથી, દર્શનાર્થીઓના જીવને કોઈ જોખમ ન રહે તે હેતુથી આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.
મધપૂડા હટાવવાની આ કામગીરી દરમિયાન યાત્રિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ગબ્બર પર્વત તરફ જતો માર્ગ સજ્જડ બંધ રાખવામાં આવશે. જોકે, શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર એ છે કે અંબાજીના મુખ્ય શિખરબંધ મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ જ રહેશે, માત્ર ગબ્બર પર્વત પર જ આ પ્રતિબંધ લાગુ પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
