સુરતની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ 98.70 ટકા આવ્યું
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
A1 ગ્રેડમાં 35 વિદ્યાર્થીઓએ જ્યારે A2 ગ્રેડમાં 56 વિદ્યાર્થીઓ સફળ
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને રાજ્યભરમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં પણ પરિણામને લઈને વિવિધ શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી.આ વર્ષે સુરતના કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તેમાં કામરેજ વિસ્તારમાં આવેલ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શાનદાર પરિણામ નોંધાવ્યું છે.વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં A1 ગ્રેડમાં 35 વિદ્યાર્થીઓએ બાજીમારી કરી છે, જ્યારે A2 ગ્રેડમાં 56 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. શાળાનું કુલ પરિણામ 98.70 ટકા નોંધાયું છે, જે ખૂબ જ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે.
પરિણામ જાહેર થતાં જ શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.ગત વર્ષની સરખામણીએ વધુ સારું પરિણામ આવતાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.આ રીતે રાજ્યભરમાં ધોરણ 10ના પરિણામને લઈને ખુશીના પળો સાથે કેટલાક સ્થળોએ નિરાશાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
