સુરત વીએનએસજીયુની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો ઉગ્ર વિરોધ
ભોજનની ખરાબ ગુણવત્તા અને શુદ્ધ પાણીની અછતના આક્ષેપ
હોસ્ટેલમાં સફાઈના અભાવને લઈને વિદ્યાર્થિનીઓમાં રોષ
વિવિધ સમસ્યાઓને લઈને વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે વીએનએસજીયુ કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો રોષ ફાટી નીકળ્યો હોય તેમ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા, પીવાના શુદ્ધ પાણીની અછત અને સફાઈના અભાવના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સુરતની વીએનએસજીયુ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ઉગ્ર મોરચો માંડ્યો હતો. હોસ્ટેલમાં લાંબા સમયથી વિવિધ સમસ્યાઓથી પરેશાન વિદ્યાર્થિનીઓ આખરે ધરણાં પર બેસી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા ખરાબ છે, જ્યારે પીવાના શુદ્ધ પાણીની પણ અછત છે. સાથે જ હોસ્ટેલ પરિસરમાં સફાઈનો પણ અભાવ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. આ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થિનીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. એબીવીપીની આગેવાની હેઠળ વિદ્યાર્થિનીઓએ ધરણાં કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
