ભાવનગરમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે પોલીસનું કડક વલણ
ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં 4 ઈસમો સામે પાસા
જિલ્લા કલેક્ટરે ચારેય ઈસમો સામે પાસા વોરંટ ઈશ્યુ કર્યા
એલસીબી અને મહુવા ટાઉન પોલીસે પાસા વોરંટની બજવણી કરી
ચારેય આરોપીઓને ગુજરાતની અલગ-અલગ જેલમાં મોકલાયા
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પોલીસે ચારેયને ઝડપી ગુજરાતની અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા છે.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ગેરકાયદેસર દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહુવા ટાઉન પોલીસે ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. દરખાસ્ત મંજૂર થતાં જિલ્લા કલેક્ટરે ચાર ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિલનભાઈ સોમનાથભાઈ રાઠોડ, દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઈ વાધેલા અને ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકીયા સામે પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્રણેયને અનુક્રમે વડોદરા, લાજપોર સુરત અને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે મહુવા ટાઉન પોલીસ દ્વારા ભરતભાઈ છગનભાઈ કનક સામે પાસા વોરંટની બજવણી કરી તેમને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આમ, ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે ભાવનગર પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે.
