સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ મામલે તંત્ર એક્શનમાં
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક
એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે હોટફિક્સ કચરા મુદ્દે સમીક્ષા
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ માટે હવે મોટી કવાયત શરૂ કરવામાં આવી હોય તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં SMCના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારમાં હોટફિક્સ કચરાની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાના નિકાલ માટે અલગ-અલગ પ્લોટ ફાળવવા અંગે પણ એસએમસી દ્વારા વિચારણા કરવામાં આવશે. હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવતો હોવાથી તેના નિકાલની જવાબદારી સંબંધિત ઉદ્યોગોની હોવાનું બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. ગુંદરના પડને કારણે હોટફિક્સ કચરાનું રિસાયક્લિંગ મુશ્કેલ બની રહ્યું છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં ચાલતા યુનિટ્સના કારણે સ્થાનિક સ્તરે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે. જોકે, તંત્રનો હેતુ માત્ર કચરાનો નિકાલ કરવાનો નહીં, પરંતુ નાના વેપારીઓ અને કારીગરોની રોજગારી પણ જળવાઈ રહે તેવો વ્યવહારુ ઉકેલ લાવવાનો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે અને બંને વચ્ચે સંતુલન જાળવીને ઉકેલ લાવવામાં આવશે.
