લીમોદરા ગામમાં ભારે વાહનોના અવરજવર સામે ગ્રામજનો વિરોધ
ભારે વાહનોને કારણે અકસ્માતોની ભીતિ
જિલ્લા કલેક્ટરને રજૂઆત સાથે કાર્યવાહીની માંગ કરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામમાં ભારે વાહનોની સતત અવરજવર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના મુખ્ય માર્ગ પરથી દિવસ-રાત પસાર થતાં ડમ્પર, ટ્રક અને અન્ય ભારે વાહનોને કારણે અકસ્માતોની ભીતિ વધતી જઈ રહી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ લીમોદરા ગામની વસ્તી આશરે 2000 જેટલી છે. ગામનો આ મુખ્ય રસ્તો ખેતરો, શાળા અને રહેણાંક વિસ્તારો સાથે જોડાયેલો હોવાથી બાળકો, વૃદ્ધો અને મહિલાઓને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વાહનોની ઝડપ અને બેદરકારીને કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની ચૂક્યા હોવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત સતત ભારે વાહનવ્યવહારના કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે. ધૂળ અને અવાજ પ્રદૂષણથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ગામમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ભારે વાહનોને ગામના અંદરના માર્ગ પરથી પ્રતિબંધિત કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.
આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. ગામમાં ભારે વાહનોના અવરજવર પર નિયંત્રણ લાવી વિકલ્પ માર્ગ નક્કી કરવામાં આવે તેવી ગ્રામજનોની એકમતિ માંગ છે. હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું…
