સુરતના ઉધનામાં શાળા પ્રવેશોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ રહ્યા હાજર
શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ : સી.આર.પાટીલ
સી.આર. પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
સુરતમાં હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઉધનામાં શાળા પ્રવેશોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતુ કે શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું હતું કે બાળકોને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરો. શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવેશોત્સવ અભિયાન પહોંચાડ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે, પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે અને તેના પરિણામો સમાજને ભોગવવા પડે છે. પાટીલે યાદ અપાવ્યું કે, આ કાર્યક્રમ એક એક ગામમાં ત્રણ દિવસ સુધી ચલાવવામાં આવ્યો હતો અને આજે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, પહેલા જ્યારે બાળક અને માતા અથવા બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખોમાં આંસુ જોવા મળતા હતા, પરંતુ આજે બાળકો હસતા હસતા શાળાએ આવે છે અને બીજા બાળકો સાથે ભળી જાય છે. સુરત મહાનગર પાલિકાની શાળાઓના શિક્ષણ સ્તરની પ્રશંસા કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાની શાળાઓમાં બાળકોનું શિક્ષણનું સ્તર સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી સારું શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે આજે શિક્ષકને ગુરુ તરીકે પૂજવામાં આવે છે અને પાલિકાની શાળાઓમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે. સી.આર. પાટીલે સ્વ. અબ્દુલ કલામને યાદ કરતા જણાવ્યું હતું કે, જો શિક્ષક દેશ માટે ખૂબ સારું કામ કરી શકે તો તેના સારા પરિણામો સામે આવી શકે છે. તેમણે હાકલ કરી કે બાળકોને આગળ વધારીને તેમને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મોટી શાળાઓમાં અભ્યાસ કરવાથી જ બાળક આગળ વધી શકે તેવું નથી. બાળકોને શિક્ષણની ભૂખ હોય છે અને શિક્ષકોના હાથમાં બાળકોનું ભવિષ્ય છે. અંતે, પાટીલે વાલીઓને અપીલ કરી હતી કે, શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ, કારણ કે શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે જ તેમને ઠપકો આપતા હોય છે. આ કાર્યક્રમ કન્યા કેળવણી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતો હતો.