સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાડામાં ડૂબી જતાં મૌત
પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોત
મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના બની હતી. મહાવીર નગર સોસાયટીના કોમન પ્લોટમાં બાળક અને બાળકી રમી રહ્યા હતા. બપોરના સમયે ભારે વરસાદને કારણે પ્લોટમાં પાણી ભરાઈ જતાં અંદાજે પાંચથી છ ફૂટ ઊંડા ખાડામાં બંને બાળકો ગરકાવ થઈ ગયા હતા. બાળકો લાંબા સમય સુધી નજરે ન પડતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાળકોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સોસાયટીના કોમન પ્લોટમાં અગાઉ છઠ પૂજા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તેનું પુરાણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી પાણી ભરાતા આ સ્થળ જોખમી બની ગયું હતું. આ દુર્ઘટનામાં શ્રેયા આયુષ ઝા અને કૃષ્ણા નામના બે માસૂમ બાળકોના મોત થયા છે. આ ઘટનાએ બંને પરિવારોને ઊંડા શોકમાં ધકેલી દીધા છે. ભારે વરસાદ બે પરિવારો માટે આફત બની ગયો છે. સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી રહી છે.
