સુરતના ડિંડોલી-દેલાડવા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા ઘરમાં જ કેદ
સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
સુરતના ડિંડોલી-દેલાડવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેમ અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો છેલ્લા 12 કલાકથી ઘરમાં જ કેદ થયા હોય જેને લઈ અને સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતના ડિંડોલી દેલાડવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. શિવ શક્તિ વિલા સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. છેલ્લા 12 કલાકથી રહીશો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતા વાહનોની અવરજવર પણ ઠપ્પ થઈ ગઈ છે. જો કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સ કે અન્ય વાહન પણ પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક રહીશ પપ્પુ તિવારીએ આક્ષેપ કર્યો છે કે, અમે પાણીમાં ફસાયેલા છીએ અને મદદની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ મદદ પહોંચી નથી. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સરપંચનો કોઈ અતો-પતો નથી અને સ્થાનિક તંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
