ભારે વરસાદથી તાપીનો ૧૧૪ વર્ષ જૂનો ડેમ ઓવરફ્લો

Featured Video Play Icon
Spread the love

ભારે વરસાદથી તાપીનો ૧૧૪ વર્ષ જૂનો ડેમ ઓવરફ્લો
ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો
હેઠવાસના વિસ્તારોને વહીવટી તંત્રનું એલર્ટ

ચોમાસાની જમાવટ વચ્ચે તાપી જિલ્લાની શાન અને વર્ષ ૧૯૧૨માં ગાયકવાડી શાસન દરમિયાન મીંઢોળા નદી પર નિર્મિત ઐતિહાસિક ડોસવાડા ડેમ તેની ૧૨૩.૪૪ મીટરની પૂર્ણ સપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે.

તાપીનો ૧૧૪ વર્ષ જૂનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે, પહાડોની હરિયાળી વચ્ચે પાણીથી છલોછલ ભરાયેલો આ જળાશય હાલ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, પરંતુ ભારે વરસાદને પગલે પાણીની વ્યાપક આવક થતાં સુરક્ષાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા ડેમના હેઠવાસમાં આવેલા નીચાણવાળા વિસ્તારો અને સંબંધિત ગામોના લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, સાથે જ નદીના પટમાં અવરજવર ટાળવા, પાણીના વહેણની નજીક ન જવા અને સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા કડક અનુરોધ કરાયો છે. ​બીજી તરફ, ૩.૪૩ મિલિયન ક્યુબિક મીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્રોડ ક્રેસ્ટેડ ટાઈપ વિયર પ્રકારનો આ ડેમ સોનગઢ તાલુકાના ૮ અને વ્યારા તાલુકાના ૫ મળીને કુલ ૧૩ ગામોના આશરે ૪૦૦ થી ૫૦૦ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ જળાશય દ્વારા અંદાજે ૩૫૦ હેક્ટર જેટલી જમીનમાં પિયત (સિંચાઈ) થતું હોવાથી, ચોમાસામાં થયેલો આ ભરપૂર જળસંગ્રહ આગામી રવિ અને ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓને પર્યાવરણની સ્વચ્છતા અને સલામતીના નિયમો જાળવવા પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *