નર્મદાના સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો આજે 7 મો દિવસ
આદિવાસીઓના સમર્થનમાં રાજકીય નેતાઓ પણ મેદાને
ભાજપના મનસુખ વસાવા, દર્શના દેશમુખે પણ ધરણા કર્યા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા અહિંસક ધરણા-પ્રદર્શનનો આજે સાતમો દિવસ છે. સરકાર પાસે ન્યાય અને યોગ્ય વાજબી ઉકેલની માંગ સાથે આદિવાસી ખેડૂતો આંદોલન પર મક્કમ રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આંદોલનની શરૂઆતથી જ ભાજપના લીલાબેન વસાવા ખેડૂતો સાથે જોડાયા હતા. ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ ડેડીયાપાડા ભાજપના આગેવાનો અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા તથા શંકર વસાવાએ ધરણાં સ્થળે પહોંચી ખેડૂતોની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ પણ આદિવાસી ખેડૂતોને આંદોલનમાં સમર્થન જાહેર કર્યું હતું. સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય ડો. દયારામ વસાવા પણ શરૂઆતથી જ ખેડૂતોની પડખે રહ્યા છે. આદિવાસી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જંગલ જમીનના ખેડાણ અંગે સરકાર તરફથી યોગ્ય ન્યાય અને કાયમી ઉકેલ આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું અહિંસક ધરણા-પ્રદર્શન સતત ચાલુ રહેશે.
આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના પ્રદેશકક્ષાના નેતાઓ સાગબારા પહોંચી ધરણાં સ્થળે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે. તમામ પક્ષોના આગેવાનોની હાજરીથી આ મુદ્દો હવે ભારે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
