કીમમાં શ્રમજીવી મહિલાના ઘરમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો
વર્ષોથી ફૂલ વેચી ગુજરાન ચલાવતી મહિલાના ઘરમાં ચોરી થઈ હતી
પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત કર્યો
સુરત જિલ્લાના કીમમાં વર્ષોથી ફૂલ વેચીને ગુજરાન ચલાવતા શ્રમજીવી મહિલાના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. તો રિકવર માલ મુળ માલિકને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અલકાબેન માળીના ઘરે ચોરીની ઘટના બની હતી. મહિલા રોજની જેમ સવારે મંદિર ખાતે ફૂલ વેચવા માટે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલો કબાટ તોડી તેમાં મૂકેલા 11 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ દાગીના મહિલાની જીવનભરની મહેનત અને બચતના હતા. ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ અને અન્ય તપાસના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમ આરોપી સુધી પહોંચી હતી અને તેનો પીછો કરતા છેક મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી પહોંચી હતી. જ્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કીમ પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ રિમાન્ડ પર લીધો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીના ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસની કાર્યવાહી બાદ ચોરી થયેલું 11 તોલા સોનું અને રોકડ રકમ સહિતનો સમગ્ર મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા મહિલાના જીવનભરની મહેનતના દાગીના તેમને પરત સોંપવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પીડિત મહિલાને તેમના ચોરાયેલા દાગીના પરત આપવામાં આવ્યા હતા. મહિલાના હાથમાં પોતાના ચોરાયેલા દાગીના અને રકમ પરત આવતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. વર્ષોની મહેનતથી એકઠી કરેલી મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
