નવસારીમાં અસામાજિક તત્વો હવે બેફામ બન્યા
જૂની અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના
હુમલો કરનાર ત્રણેય આરોપીઓને હથિયાર સાથે દબોચી લીધા
નવસારીમાં અસામાજિક તત્વો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જૂની અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે, નવસારી ટાઉન પોલીસે સતર્કતા દાખવીને હુમલો કરનાર ત્રણેય આરોપીઓને હથિયાર સાથે દબોચી લીધા છે. પોલીસની આ ફિલ્મી ઢબે કરાયેલી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવસારીના વિરાવળ નાકા પાસે આવેલી ‘હિંદ ચા-નાસ્તા’ની દુકાન પાસે ગત 17મી એપ્રિલની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. કાગદીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન તૈયબ શેખ પર જૂની અદાવત રાખીને ત્રણ હુમલાખોરો ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. આસીફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને તેના સાગરીતોએ ઇમરાન પર આડેધડ ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધો હતો. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને ઇમરાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મોહંમદ આસીફ ઉર્ફે ફ્રૂટ પઠાણ છે, જે અગાઉ એપીએમસી પાસે થયેલી મારામારીમાં પણ સામેલ હતો. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે શહેરમાં લુખ્ખા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.ઉમેશ સોની નવસારી
