સુરત : ડુમસ સાયલન્ટ ઝોન બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ
સીઆઈડી ક્રાઈમે સિટી સર્વે સુપ્રિ. કાનાલાલ ગામિતની ધરપકડ કરી
કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સુરતના ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનની સ્કીમ મુકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે તત્કાલીન નાયબ નિયામક જમીન દફ્તર કાનાલાલ ગામીત ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રકરણમાં પખવાડીયા અગાઉ ઝડપાયેલા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામીતે પ્રમોલગેશન કરી હતી.
સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.૪૦૨ માં રહેતા ૪૭ વર્ષીય ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામોલીયાની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગત જાન્યુઆરી મહિનાના પહેલા | અઠવાડીયામાં ગુનો નોંધાયો હતો.એક બ્રોકર તેમની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે ૧૩૫ બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા.આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધતા તેની તપાસ ડીટેક્ટીવ પીઆઈ પી.બી.સંઘાણી કરી રહ્યા હતા. જોકે, બાદમાં આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમના સુરત એકમના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી. ગુનો નોંધાયાના સવા ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઈમે પખવાડીયાઅગાઉ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલને પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાંથી ઝડપી લીધા હતા.જયારે તત્કાલીન નાયબ નિયામક જમીન દફ્તર કાનાલાલ પોસલાભાઈ ગામીત
ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આ પ્રકરણમાં પખવાડીયા અગાઉ ઝડપાયેલા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામીતે પ્રમોલગેશન કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧ માં એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયેલા કાનાલાલ ગામીતને સરકારે ફરજીયાત નિવૃત્ત કર્યા છે.