રાજ્યમાં જુનિયર ક્લાર્કની 1100 પોસ્ટ માટે આજે વિદ્યાર્થીઓની પરીક્ષા અને તંત્રની કસોટી

Spread the love

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કના 1100 પદો પર ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા અગાઉ તા.29 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ પેપરલીક થયું હોવાની જાણ થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેથી આજે આકરી સુરક્ષા વચ્ચે અંદાજિત 9.53 લાખ ઉમેદવારો ગુજરાતના 3000 થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપશે.


જીપીએસએસબીના અધ્યક્ષ અને આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પરીક્ષા પૂર્વે વિડીયો જાહેર કર્યો અને પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે રાજ્યના દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કૅમેરા લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર તહેનાત તમામ પોલીસ કર્મચારીઓ ‘બૉડીવૉર્ન કૅમેરા’થી સજ્જ હશે તેમજ “પ્રશ્નપત્રનું સીલબંધ કવરમાં દરેક કેન્દ્ર ઉપર બે ઉમેદવારોને બતાવ્યા પછી જ ખોલવામાં આવશે અને સાથે તેમની સહી પણ લેવામાં આવશે.
જીપીએએસબી દ્વારા પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને 254 રૂપિયા પરિવહન માટે આપવાની જાહેરાત પણ કરી છે. ઉમેદવારોએ આ અંગે તેમની બૅન્ક ખાતાની વિગતો સાથે ઓનલાઇન ફૉર્મ ભરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પેપર લીકના જોખમને અટકાવવા માટે રજૂ કરાયેલા ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન ઍક્ટ – 2023 સર્વસંમતિથી પસાર થયા બાદ આ પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે.

રિપોર્ટ :- કૌશિકની કલમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *