મહેમદાવાદના મલાતજ ગામે માટી ચોરીના ગંભીર આક્ષેપ
ગૌચર અને સરકારી તળાવમાંથી માટીનું ખનન
2025 માં પાંચ કરોડના કૌભાંડનો આરોપ
મહેમદાવાદના મલાતજ ગામમાં ગૌચર અને સરકારી તળાવમાંથી બેફામ માટી ચોરીનું 5 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.
મહેમદાવાદ તાલુકાના મલાતજ ગામમાં ગૌચર અને સરકારી તળાવમાંથી બેફામ માટી ચોરી કર્યાની ફરિયાદો સામે આવી છે. જેમાંથી 5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મંજૂરી કરતા 1 લાખ મેટ્રિક ટન વધુ માટી ખોદી કૌભાંડીઓએ ખિસ્સા ભર્યા હોવા છતાં અધિકારીઓ માત્ર કાગળ પર દંડ ફટકારી સંતોષ માની રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી હોવા છતાં ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ ન થતા મિલીભગતની આશંકા પ્રબળ બની છે. મંજૂરીથી 1 લાખ મેટ્રિક ટન વધુ માટી ખોદી ભૂમાફિયાઓએ ખિસ્સા ભર્યા છે. ભૂસ્તર વિભાગે 2.59 કરોડનો દંડ ફટકાર્યો, પરંતુ પોલીસ ફરિયાદ ન થતા મિલીભગતની આશંકા છે. ગ્રામજનો અને પૂર્વ ડેપ્યુટી સરપંચે ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. આ કૌભાંડમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો, અધિકારી, તાલુકા-જિલ્લાના અધિકારીઓની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એસીબીમાં પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ કરાઈ હતી, જેની તપાસના આદેશો અપાયા છે. તેમ છતાં મે 2026 અને જૂન 2026 દરમિયાન વધુ 5 લાખ મેટ્રિક ટન માટી ઉપાડી લેવાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે
મલાતજ ગામના બ્લોક નંબર 398 સરકારી તળાવ અને બ્લોક નંબર 401 ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આરોપ ઉઠ્યા છે. ડિસેમ્બર 2024 માં તળાવ ઊંડું કરવાના બહાને પંચાયતે ઠરાવ કર્યા બાદ 2 જાન્યુઆરી 2025 ના રોજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિક બારૈયાને માત્ર 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની 20 દિવસની પરમીટ અપાઈ હતી. પરંતુ આ મંજૂરીની આડમાં 31 માર્ચ 2025 સુધી બેફામ મશીનરી ચલાવીને માટી ઉલેચાઈ હતી, તેવો આક્ષેપ કરાયો છે. ગ્રામજનો અને પૂર્વ ડેપ્યુટી સરપંચ દિનેશ પરમારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા ભૂસ્તર વિભાગે 25 એપ્રિલ 2025 ના રોજ સ્થળ તપાસ કરી હતી. આ માપણીમાં મંજૂર થયેલા જથ્થા સામે 1,04,990 મેટ્રિક ટન વધુ માટી ખોદાઈ હોવાનું સામે આવ્યું હતું. તળાવમાંથી 22,683 મેટ્રિક ટન અને ગૌચરમાંથી 83,610 મેટ્રિક ટન માટી ઉપાડી લેવાઈ હતી. ભૂસ્તર વિભાગે 2.59 કરોડ રૂપિયાનો દંડ ફટકારી કારણદર્શક નોટિસ આપી હતી. પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
