સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા મામલો
સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાને મામલે 2 આરોપીની બિહારથી ધરપકડ
પોલીસે રાસીદ અન્સારી અને મન્સુર અન્સારીની ધરપકડ કરી
સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાને મામલે સમાચાર સામે આવી રહ્યા છે. અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી રિક્ષાચાલક રાસીદ અન્સારી અને મન્સુર અન્સારીને ઝડપી પાડી તેઓને સુરત લાવી ધરપકડ કરી હતી.
સુરતના સલાબતપુરા વિસ્તારના સિક્યુરીટી એજન્સીના માલિકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષાચાલક અને તેના માસીયાઈ ભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યા છે. આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષા ચાલક રાસીદ સાથે અલથાણ આવ્યો હતો. જ્યાં સીબી પટેલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના 20 હજાર આપ્યા હતાં. અને બાકીના 80 હજાર તેની પાસે હતા. જે પૈસા આરોપી રાસીદ જોઈ ગયો હતો અને બહાનું કાઢી રાસીદે ચંદ્રભાનને ઉન હયાત નગરમાં રૂમ પર લઈ ગયો હતો. જ્યાં રાસીદ તેમજ માસીયાભાઈ મન્સુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. લાશના ટુકડા કોથળામાં ભરી મોપેડ પર મીઠીખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા. બંને આરોપીએ કોન્ટ્રાકટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો. જેથી આ અપહરણનો કેસ હોવાનું ઊભું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતાં. ડીસીપી વિજય ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઇ ડી.ડી. ચૌહાણે બે ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી. ત્યારે બંનેનું પોલીસે પંગેરું મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષાચાલક રાશીદ અન્સારી અને તેનો પિતરાઈ ભાઈ મન્સુર અન્સારીને જગદીશપુરા પંથકમાંથી પકડી પાડી બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવ્યા હતાં. હાલ આરોપીઓની પુછપરછ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.