સુરત મનપાની મુખ્ય કચેરીની બાજુના પાર્કિંગમાં રેસ્ક્યુ
મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં ફસાયેલા ઈસમનું રેસ્ક્યુ
ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ લિફ્ટ ઉભી રહી હતી પણ ખુલતી ન હતી
સુરત મનપાની મુખ્ય કચેરીની બાજુમાં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં ફસાયેલા ઈસમને ફાયર જવાનોએ ત્વરિત પહોંચી જઈ રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો.
સુરત મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં એક યુવક ફસાઈ ગયો હતો. બુમાબુમ કરતા ફાયરના જવાનો દોડી ગયા અને પાંચ મિનિટમાં જ તેને બહાર કાઢી લીધો હતો. વાત એમ છે કે 46 વર્ષીય સુનિલ અશ્વિનભાઈ ધીમ્મર એક અધિકારીને કારમાં લઈને મુગલીસરા મહાનગર પાલિકાની બાજુમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં પહોંચ્યા હતા. બીજા માળે કાર પાર્ક કરીને લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ લિફ્ટ ઉભી રહી હતી પણ ખુલતી ન હતી. જેથી સુનિલભાઈએ બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાં હાજર યુવકે બાજુમાં આવેલા ફાયર સ્ટેશન પર જાણ કરી હતી. મુગલીસરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર બળવંતસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. લિફ્ટમાં ફસાયેલા યુવકને પહેલા શાંત કર્યો હતો અને પાંચ જ મિનિટમાં ટુલ્સથી લિફ્ટના દરવાજાને ખોલી નાખ્યા હતા. સહી સલામત બહાર નીકળી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ગણતરીની પાંચ મીનીટોમાં જ યુવકને બહાર કાઢી લેતા યુવકે પણ ફાયરના જવાનોનો આભાર માન્યો હતો.
