ભાવનગરમા મહિલા પોલીસકર્મીના દીકરાની હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન
પંચવટી ચોક પાસે લંગડાતા પગે ચલાવી આરોપીઓને પોલીસ લાવી,
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા
ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં જૂના કેસની અદાવતમાં મહિલા પોલીસકર્મીના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશીએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
વર્ષ 2018 માં મરણ જનાર કેવલ અને કરશન ઉર્ફે ભાણો સાટીયા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં કરશનને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા કેવલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી કેવલ જામીન પર મુક્ત હતો. કરશનના ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવે આ ઘટનાનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો, ઘટનાના દિવસે કેવલ તેના મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સેન્ટર પાસે ઊભો હતો. તે સમયે ભાર્ગવ અને ભરત સફેદ ટુ-વ્હીલર પર આવ્યા હતા. તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રોને છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ, બંનેએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા. થોડા સમય પછી અર્જુન સાટીયા પણ ત્યાં દોડી આવ્યો અને તેણે પણ કેવલને વારંવાર છરીના ઘા માર્યા. આ હુમલામાં કેવલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી લીધા છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે
આજના રોજ ઘોઘા રોડ પોલીસે આરોપીઓ અર્જુન સાટીયા, ભરત સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટીયાને ઘટના સ્થળે લાવી રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ સમગ્ર ઘટનાની વિગતો વર્ણવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે હાજર હતો. દોરડા વડે કોર્ડન કરી આરોપીઓને લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી