સુરતના પર્વત પાટિયામાં નર્સનો આપઘાત.
ખંડેલવાલ હોસ્પિટલમાં ત્રણ માસથી કરતી હતી નોકરી.
મૂળ છોટાઉદેપુરના વતની મંજુલાબેનનો આપઘાત.
સુરતના પર્વત પાટિયામાં ખંડેલવાલ હોસ્પિટલની નર્સ મંજુલાબેનનો હોસ્પિટલ રહેઠાણમાં આપઘાત કરી લીધો હતો. હાલ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. વ્યક્તિગત, પારિવારિક કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વધુ એક નર્સના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખંડેલવાલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી મંજુલાબેને હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા રહેઠાણમાં રવિવારે રાતે અંદાજે 3 વાગ્યાની આસપાસ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંજુલાબેન મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી હતા. તેમના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલાં થયા હતા. તેમના પતિ હાલમાં વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અચાનક બનેલી આ ઘટનાના સમાચાર મળતા પરિવારજનો સુરત દોડી આવ્યા હતા. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, મંજુલાબેન છેલ્લા ત્રણ મહિનાથી ખંડેલવાલ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને હોસ્પિટલના કેમ્પસમાં જ રહેતા હતા. સવારે ઘટના સામે આવતા હોસ્પિટલ સ્ટાફમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. હોસ્પિટલ સંચાલન દ્વારા પણ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ તેમજ નજીકના લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. જો કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવે અથવા અન્ય પુરાવા સામે આવે તો તેના આધારે તપાસ આગળ વધારવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
