ડાંગ સાપુતારામાં નવા વર્ષની ઉજવણી
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં 31 ડિસેમ્બરની ઉજવણી
નવા વર્ષની ઉજવણીમાં સાંસદ ધવલ પટેલ ઉપસ્થીત રહ્યા
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સામાન્ય રીતે 31 ડિસેમ્બરે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે.
નવા વર્ષના સ્વાગત માટે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચે છે. જોકે, આ વર્ષે પાંચ વર્ષમાં પહેલીવાર 31 ડિસેમ્બરે સાપુતારામાં ભીડ ફિક્કી જોવા મળી, જેના કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઓછી સંખ્યામાં પણ વિન્ટર ફેસ્ટિવલમાં ગરબા-આતશબાજી સાથે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે 31 ડિસેમ્બરે સાપુતારાની હોટલો, લોજો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક રહે છે. બોટિંગ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ગાર્ડન તેમજ માર્કેટ વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા પણ ન રહે તેવી સ્થિતિ સર્જાય છે. પરંતુ આ વર્ષે મુખ્ય વિસ્તારોમાં ભીડ ઓછી રહી અને અનેક હોટલોમાં રૂમ ખાલી જોવા મળ્યા હતા. રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકની સમસ્યા પણ નહિવત્ રહી હતી
શાંત માહોલ વચ્ચે પણ સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ફેસ્ટિવલ દરમિયાન લોકોએ ગરબા રમીને નવા વર્ષનું સ્વાગત કર્યું. ગરબા બાદ ભવ્ય આતશબાજી યોજાઈ, જેના કારણે ઉજવણીનો માહોલ રંગીન બન્યો. આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. વહીવટીતંત્ર અને પોલીસ માટે ભીડ ઓછી હોવાથી વ્યવસ્થા જાળવવી સહેલી રહી હતી. તેમ છતાં, પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સાપુતારાની લોકપ્રિયતા જાળવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં નવા આકર્ષણો, વ્યાપક પ્રચાર અને સુવ્યવસ્થિત કાર્યક્રમોની જરૂર છે. કુલ મળીને, આ વર્ષે 31 ડિસેમ્બરે સાપુતારામાં જોવા મળેલી ઓછી ભીડ પર્યટન ક્ષેત્ર માટે ચેતવણીરૂપ સંકેત બની છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
