નશાનો કારોબારી પોલીસથી બચવા 7 હજારથી વધુ કિમી ભાગતો રહ્યો
55 લાખનું એમડી ડ્રગ્સ મગાવનાર ધોરાજી માસીના ઘરે પહોંચ્યો ને ઝડપાયો
પોલીસથી બચવા મુંબઈ, અમદાવાદ રાજકોટની દરગાહમાં રહેતો
સુરતના સચિનના કપ્લેઠાથી રૂ. ૫૫ લાખનું એમડી ડ્રગ્સ પકડાવાના ગુનામાં એસઓજીએ રાજકોટના ધોરાજીથી અલ્ફાઝ ભૂરિયાને પકડી પાડ્યો હતો. આરોપી દુબઇ, આફ્રિકાના ઈથોપિયા બાદ ભારત આવી મુંબઈ, અમદાવાદ રાજકોટની દરગાહમાં છુપાઈને રહેતો હતો.
ક્રાઈમ બ્રાંચે ગત ૧૬ નવેમ્બરની રાતે સચિન -કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી ઈરફાન મહંમદ ખાન પઠાણ, મહંમદ તૌસીફ ઉર્ફે કોકો મહંમદ રફીક શા અને અસફાક ઇરશાદ કુરેશીને પકડી પાડ્યા હતા. મુંબઇના નાલાસોપારાથી લાવેલ ૫૫૪.૮૨ ગ્રામ એમ.ડી. ડગ્સનો જથ્થો કિંમત રૂપિયા ૫૫. ૪૮ લાખથી વધુ અને રોકડ, કાર સહિત કુલ ૫૮.૭૧ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં ડ્રગ્સ મંગાવનારાઓના નામ ખૂલ્યા હતા. જેમાં હોડીબંગલાના આદિલ મસાલા પણ ડ્રગ્સ મંગાવનાર હોવાનું જાણવા મળ્યું હતું. આદિલને વોન્ટેડ જાહેર કરાયો હતો. એસઓજીએ ૩ દિવસ પહેલાં જ આદિલને પકડી પાડયો હતો. આ દરમિયાન આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલીયાને રાજકોટના ધોરાજી ખાતે સંબંધીના ઘરેથી ઊંઘતો જ પકડી પાડયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે , અલ્ફાઝે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. પોલીસથી બચવા તે દુબઈ ભાગી છૂટ્યો હતો. જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઈથોપિયા ભાગી ગયો હતો. ત્યાંથી મુંબઇ પરત ફરી ડોંગરી વિસ્તારમાં આવેલી દરગાહમાં રહેતો હતો. ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરજીમાં માસીના ઘરે રહેતો હતો. પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપાઇને રહેતો હતો.