બારડોલીમાં ખેડૂત હેમિલ જન્મથી જ ખાસ પ્રકારની શારીરિક ખામી લઈને જન્મ્યો
હોઠના ભાગમાં જગ્યા ન હોવી અને તાળવાનો વિકાસ નહિ થયો
તબીબી ભાષામાં એવી સ્થિતિને “ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ” તરીકે ઓળખાય
બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત પરિવારનો પુત્ર હેમિલ જન્મથી જ ખાસ પ્રકારની શારીરિક ખામી લઈને જન્મ્યો હતો. હોઠના ભાગમાં જગ્યા ન હોવી અને તાળવા (પેલેટ) નો વિકાસ ન થવો એ બે ગંભીર ખામીઓ તેના જીવનમાં અવરોધરૂપ બની હતી.
તબીબી ભાષામાં એવી સ્થિતિને “ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ” (Cleft Lip and Palate) તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં બાળકને ખાવા, પીવા અને બોલવામાં મુશ્કેલી થતી હોય છે, ત્યારે સરકારની આર.બી.એસ.કે. યોજના થકી એક નહીં, બે વખત હેમિલના નિઃશુલ્ક ઓપરેશન કરાયા છે. જન્મ પછી ૭મા માસે હોઠ અને ૯ વર્ષની ઉંમરે તાળવાનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. હેમિલ અને તેના પરિવાર માટે રાજ્ય સરકારની આ યોજનાએ નવી ખુશીઓની ભેટ આપી છે. હેમિલના પિતા ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, મારા બાળકને જન્મથી જ હોઠ અને તાળવાની ખામી હતી. જ્યારે દિકરો ૭ મહિનાનો થયો ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ગામમાં તપાસ માટે આવી, જ્યાં અમને સરકારની યોજના વિશે સમજ આપી નિ:શુલ્ક ઓપરેશન થતું હોવાનું જણાવી અમને યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ-કામરેજમાં સારવાર માટે માર્ગદર્શન આપ્યું.
મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાને જણાવ્યું કે, આવા દુર્લભ કેસોમાં સમયસર ડાયગ્નોસિસ અને ત્વરિત સારવાર આપવામાં આવે તો બાળકને સામાન્ય જીવન આપી શકાય છે. હેમિલને સમયસર સારવાર પ્રાપ્ત થતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે, એને જોઈને અમારી આંખો ઠરે છે. જો આ યોજના ન હોત ન જાણે હેમિલનું જીવન કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોત અને કેવી કઠિનાઈ વેઠવી પડતી હોત એ વિચારથી કંપારી આવી જાય છે.
RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ- ભારત સરકારની એવી આરોગ્યલક્ષી યોજના છે, જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવે છે, અને જો કોઈ ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે….