હરિયાણાના અઘોરી ચંચલનાથ માતાજી ગુજરાતના પ્રવાસે,
આજે સુરત જિલ્લાના બારડોલીમાં પધરામણી
બારડોલી: હરિયાણાના જાણીતા અઘોરી ચંચલનાથ માતાજી સુરત જિલ્લાના બારડોલી ખાતે પધાર્યા છે. અહી નવદુર્ગા સોસાયટીમાં ચંચલનાથ માતાજી કિન્નર સમાજના પ્રમુખ પૂનમકુંવરના નિવાસસ્થાને ઉતારો આપવામાં આવ્યો છે. જેમાં આજે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના ઘરે પધાર્યા હતા. જ્યાં મોટી સંખ્યા માં ભક્તો ઉમટ્યા હતા.
મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયા એ પણ દર્શન કર્યા હતા. બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ – બામણીના નિવાસ સ્થાને પધાર્યા હતા. જ્યાં તેમણે ભોજન પણ લીધું હતું.
આ પ્રસંગે ચંચલનાથે સનાતન ધર્મ અને વિશ્વમાં સદાય શાંતિ જળવાઈ રહે તેવી કામના કરી હતી. તેમણે ગૌ માતાની રક્ષા કરવા માટે પણ હાકલ કરી હતી અને દરેક ઘરના સભ્યોને એક ગાય રાખવા માટે આહવાન કર્યું હતું.
વધુમાં તેમણે અઘોર અખાડા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અઘોર એટલે મહાદેવમાંથી ઉત્પન્ન થયેલ તત્વ છે. ચંચલનાથના આગમનથી બારડોલીમાં તેમના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ભક્તોને આશીર્વાદ આપશે.