ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામ જાહેર
ધો-12 સાયન્સનું 84.33 ટકા પરિણામ જાહેર
સામાન્ય પ્રવાહનું 92.71 ટકા રિઝલ્ટ જાહેર થયું
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનુ એક સાથે આજે ચાર મેના રોજ પરિણામ જાહેર કરાયુ હતું. જેમાં આ વખતે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ધો-12 સાયન્સનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા રિઝલ્ટ જાહેર થયું હતું.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મે 2026માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. 1 લાખ 32 હજાર માંથી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા હતાં.
12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76 ટકા આવ્યું છે. જ્યારે 88.91 ટકા સાથે બાયોલોજી બીજા નંબરે તો 85.94 ટકા સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.27 ટકા પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે. ધોરણ 12 કોમર્સના મુખ્ય ચાર વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24 ટકા, વાણિજ્ય વ્યવસ્થા 97.10 ટકા રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે. 95.32 ટકા રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40 ટકા પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે.
