ગુજરાતમાં ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ
અમરેલીમાં નારાજ નેતા ચેતન માલાણીએ આપ્યું રાજીનામું
અમરેલી ભાજપના નેતા ચેતન માલાણીએ આપ્યું રાજીનામું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પાક નુકસાન સહાય પેકેજથી ખૂદ ભાજપ નેતા જ નારાજ થયાં. સાવકુંડલા એપીએમસીના ડિરેક્ટર અને સાવરકુંડલા ભાજપના પૂર્વ માહમંત્રી ચેતન માલાણી પેકેજથી નારાજ થતાં તેમણે રાજીનામું ધરી દીધું હતું.
સાવકુંડલા APMCના ડિરેક્ટર અને સાવરકુંડલા ભાજપના પૂર્વ માહમંત્રી ચેતન માલાણીએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પાક નુકસાન સહાય પેકેજમાં 10 હજાર કરોડના પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેને પગલે સરકાર દ્વારા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપના નેતા નારાજ થતાં અમરેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ચેતન માલાણીએ તેના રાજીનામા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 2025ની અતિવૃષ્ટિમાં સરકારની વ્હાલા-દવલાની નીતિ અને તબાહ થયેલા ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા સહાય પેકેજથી સખત નારાજ છે. આ ઉપરાંત તેણે સહાય પેકેજને ‘ખેડૂતોની મજાક સમાન’ ગણાવ્યું હતું. ખેડૂત પુત્ર હોવાના નાતે નૈતિકતાના ધોરણે તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
રાજ્યના કૃષિ મંત્રીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજની વિગતો જાહેર કરી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
