હર ઘર તિરંગા અભિયાનને લેઈ જાહેરાત.
70 લાખથી વધુ ઘરોમાં લહેરાશે તિરંગો,
યુનિવર્સિટી,એનજીઓ, સામાજિક સંસ્થાઓ જોડાશે
ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર્ય પર્વને વધુ ભવ્ય રીતે ઉજવવા રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાઓ અને વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું મુખ્ય આયોજન થશે. ત્યારબાદ 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે વિશાળ તિરંગા યાત્રાઓ યોજાશે. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના 70 લાખથી વધુ ઘરોમાં તિરંગો લગાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં સામાન્ય નાગરિકો ઉપરાંત સામાજિક સંસ્થાઓ, શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે. 14 ઓગસ્ટે રાજ્યભરમાં ‘વિભાજન વિભીષિકા દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દેશના વિભાજન દરમિયાન ભોગવવામાં આવેલી પીડા અને બલિદાનોને યાદ કરીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 1200 જેટલી તિરંગા યાત્રાઓ માટે મંજૂરી માંગવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં અભિયાનમાં જોડાશે અને દેશપ્રેમનો અનોખો સંદેશ આપશે. અભિયાન દરમિયાન દેશના વીર જવાનો અને શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરવું દરેક નાગરિકની જવાબદારી છે અને આ અભિયાન તે ભાવનાને વધુ મજબૂત બનાવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
