રાજ્યમાં ભેળશેળ સામે સરકારનું કડક એક્શન
આરોગ્ય મંત્રીનો ભેળશેળિયા તત્વોને કડક સંદેશ
ફૂડ સેફ્ટી ડ્રાઇવ વધુ તીવ્ર બનાવવા સરકારના આદેશ
સુરત સહિત રાજ્યભરમાં અખાદ્ય વસ્તુઓનુ વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કારઈ હોય ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુકે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખ કરાઈ છે. રાજ્યભરમાં હાલ ખોરાક શુદ્ધિ અભિયાન હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતાં. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભેળશેળ કરતા તત્વો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં ખોરાક શુદ્ધિ અભિયાન હજુ પણ વધુ વેગવાન બનશે ભેળશેળિયા તત્વોને કડક ચેતવણી આપતા મંત્રી પ્રફુલભાઈએ કહ્યું હતું કે, જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશે, તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરે, અન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં. એપ્રિલ માસ દરમિયાન અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો આપતાં મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઇવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ ૪,૧૯૩ જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજિત 1,83,240 મૂલ્ય ધરાવતો આશરે 1,018 કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર બેદરકારી બદલ 270 જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત 118 જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે, જેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. વધુમાં કહ્યુ હતુ કે મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનાર 18 જેટલા એકમોને તંત્ર દ્વારા સીલ પણ કરવામાં આવ્યા છે. તો આરોગ્ય મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, ઉનાળાની સિઝનને ધ્યાને રાખી શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચ વેચતા એકમો પર પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા અત્યાર સુધીમાં 1,576 સ્થળોએ સઘન તપાસ હાથ ધરીને 1,705 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, વેપારીઓ તથા નાગરિકોમાં ખોરાકની શુદ્ધતા અને ભેળસેળ અંગે જાગૃતિ લાવવા માટે આ ડ્રાઇવ અંતર્ગત 284 ટ્રેનિંગ કાર્યક્રમ અને 255 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
