હાલમાંજ ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ઘટને લઇ વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે વિપક્ષના મુદ્દાની સાક્ષી પુરાવતા હાલ સુરત જિલ્લાની 939 પ્રાથમિક શાળામાંથી 34 શાળામાં માત્ર 1-1 શિક્ષક જ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે તાપી જિલ્લાની 797 શાળામાંથી 80 જેટલી શાળાઓમાં પણ 1-1 શિક્ષકથી ગાડું ગબડાવાઇ રહ્યું છે. આમ શિક્ષકના ક્ષેત્રે વિકાસની વાતો કરતા ગુજરાતમાં બાળકોના પ્રાથમિક શિક્ષણનો પાયો જ કાચો રહી જવાનું જોખમ સર્જાયું છે. ત્યારે ગતરોજ ધોરણ 3 ની પર્યાવરણની પરીક્ષામાં સચિન તેંડુલકરની રમતને લઇ થયેલા છબરડાથી ગુજરાત સરકારની શિક્ષણ પ્રણાલી સામે અનેક સવાલ ઉભા થયા છે
શિક્ષકની અછત વચ્ચે ચાર્જ સંભળાતા શિક્ષકોએ કહ્યું હતું કે 3 માસ પ્રવાસી શિક્ષક આવતા થોડી રાહત થતી હતી પરંતુ માર્ચની છેલ્લી તારીખે છૂટા કરી દેતા હવે 3 વર્ગખંડ હોવા છતાં એક જ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવો પડે છે. આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત ?
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દરજીએ જણાવ્યું હતું કે વેકેશન પછી ખાલી જગ્યા ભરવાની સરકારનું પ્રયોજન છે તેમજ જે શાળાઓમાં શિક્ષકોની વધ હોય એવા શિક્ષકોને ખાલી જગ્યામાં મૂકવા અંગેની સત્તા પોતાની પાસે નહી પરંતુ જે તે કેન્દ્ર શાળાના મુ.શિક્ષક પાસે હોય છે.
રિપોર્ટ : કૌશિક પટેલ