વર્ષોથી કાગળ પર જ ચાલતાં સુરત મહાનગર પાલિકાના રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વાસ્તવિક રૂપ આપવા કવાયત હાથ ધરી છે ત્યારે ઇરિગેશન વિભાગ – કલેક્ટર કચેરી અને સુડા સહિતના જુદા જુદા વિભાગો સાથે તાજેતરમાં વર્કિંગ કમિટી બનાવ્યા બાદ પ્રોજેક્ટના 33 કિ.મીમાં ફિઝિબિલિટી ચકાસવા માસ્ટર પ્લાન માટે ડિઝાઇન કન્સલ્ટન્સી સોંપવા તથા પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી ફર્મની નિમણૂંક કરવામાં આવશે. સમગ્ર 33 કિ.મીનો રૂટ રૂઢ – ભાઠાથી કઠોર બ્રિજ સુધીમાં તાપીના બંને કાંઠાના રિવર ફ્રન્ટના વિકાસમાં હાલ કૉઝવે સુધી 10 કિ.મીનો ફેઝ-1 જ સાકાર કરવામાં આવનાર છે. ફેઝ-1 પાછળ પાલિકાને 4 હજાર કરોડ સુધીનો ખર્ચ થઈ જાય તેમ અંદાજ છે. વર્ષ 2016 – 2017 માં 33 કિમીનો પ્રોજેક્ટ કોસ્ટમાં 4000 કરોડનો અંદાજ નક્કી કરાયો હતો પરંતુ કોસ્ટ વધુ હોય પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો પણ કોસ્ટ વધતી જ રહી છે. એપ્રિલ – 2022 માં શાસકોએ 40 વર્ષ સુધીની પાણી સમસ્યાનો હલ લાવવા માટે જળ સ્તર વધારવા અને વોટર સ્પોર્ટ્સ માટે 972 કરોડનો કન્વેન્શનલ બેરેજ બનાવવા ટેન્ડર મંજૂર કર્યા હતા. રૂંઢ – ભાઠાથી સિંગણપોર કૉઝવે સુધી 10 કિમીમાં સરોવર રચાશે પરંતુ બેરેજ માટે કોન્ટ્રાક્ટ ફાળવી દીધા બાદ નવા કમિશનરના કાર્યકાળમાં સવાલ એ ઉભો થયો છે કે તાપીના પાળા જ બન્યા નથી તો બેરેજ રિવરફ્રન્ટ કઈ રીતે બનશે ?
તાપી નદીના પાળાનો ઇજારો પહેલા સોંપવાનો હતો પરંતુ ઉતાવળે બેરેજનો કોન્ટ્રાકટ ફાળવી દેવાતા શાસકોની અણઆવડત સામે આવી હતી. શાસકોની અણ આવડતના કારણે હવે બેરેજની કોસ્ટ પણ વધતી જાય છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે વલ્ડ બેંકની ટીમ ચારથી પાંચ વખત સુરત આવી છતાં સુરતીઓના ડ્રિમ પ્રોજેક્ટ માટે લોનનું હજી ઠેકાણું પડ્યું નથી.
વર્લ્ડ બેંકની લોન મેળવનારા આ પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી અને રિવર ફ્રન્ટ માટે માસ્ટર પ્લાન – ફિઝિબિલિટીના અભ્યાસ હેતુ ડિઝાઇન કન્સલ્ટન્સી નિમવા સહિતના બે ટેન્ડરો પાલિકાએ જાહેર કર્યા છે. આ બંને કન્સલ્ટન્સી પાછળ જ 13 કરોડથી વધુ ખર્ચ થાય તેમ છે. સુરત પાલિકા પહેલાં 30 ટકા ખર્ચ કરી કામગીરી શરુ કરશે ત્યાર બાદ બાકીના જરૂરી નાણાં પેટે વલ્ડ બેંક લોન આપશે તે શરતથી પાલિકાએ ફિઝિબિલિટી ચકાસણી – માસ્ટર પ્લાન સહિતની કામગીરી માટે ટેન્ડર જારી કર્યાં છે.
રિપોર્ટ :- કૌશિક પટેલ