જામનગરની કામદાર કોલોનીમાં અબોલ શ્વાન પર જીવલેણ હુમલો.

Featured Video Play Icon
Spread the love

જામનગરની કામદાર કોલોનીમાં અબોલ શ્વાન પર જીવલેણ હુમલો.
કામદાર કોલોની રોડ નંબર 2 માં રાત્રિના સમયે બની ઘટના.
શાંતિથી સૂતેલા નિર્દોષ શ્વાન પર અજાણ્યા શખ્સે કર્યો નિર્મમ હુમલો.

શહેરમાં ફરી એકવાર પશુ ક્રૂરતાની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં એક નિર્દોષ અને અબોલ શ્વાન પર અજાણ્યા યુવકે હોકી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિકો અને જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ આ શરમજનક ઘટના જામનગરના કામદાર કોલોની રોડ નંબર ૨ વિસ્તારમાં બની હતી. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક નિર્દોષ શ્વાન શેરીના ખૂણામાં શાંતિથી સૂઈ રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતો એક યુવક હાથમાં હોકી લઈને ધસી આવે છે અને કશું જ વિચાર્યા વિના સૂતેલા શ્વાન પર તૂટી પડે છે. યુવકે પૂરી તાકાતથી શ્વાનના માથાના ભાગે હોકીના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. અચાનક થયેલા આ ઘાતકી હુમલાથી ગભરાયેલું અને દર્દથી કણસતું શ્વાન પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ નરાધમ યુવક તેના પર સતત પ્રહારો ચાલુ રાખે છે. આ ક્રૂર હુમલાને કારણે નિર્દોષ શ્વાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલા બાદ ઘટનાસ્થળે ભારે રક્તસ્ત્રાવ થયો હતો. શ્વાનની દર્દનાક ચીસો સાંભળીને આસપાસના લોકો અને સ્થાનિક જીવદયાપ્રેમીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા શ્વાનને તાત્કાલિક પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. પશુ ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, શ્વાનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અમાનવીય કૃત્યનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. નેટીઝન્સ આ હુમલાખોર યુવક પર ભારે ફિટકાર વર્ષાવી રહ્યા છે. મૂંગા અને અબોલ પ્રાણીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને ફરી એકવાર પ્રાણીઓની સુરક્ષા અને કાયદાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જીવદયાપ્રેમીઓનો સૂર છે કે કોઈ નિર્દોષ પ્રાણી આ રીતે કોઈનું શું બગાડી શકે ?  આ વિકૃત માનસિકતા છે. આવા નરાધમો સમાજ માટે પણ ખતરો છે. સ્થાનિક પશુપ્રેમી સંસ્થાઓ અને જીવદયાપ્રેમીઓએ પોલીસ પ્રશાસન પાસે CCTV ફૂટેજના આધારે હુમલાખોર યુવકની ઓળખ કરી, તેની સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *