સુરતમાં ગુનાખોરી જાણે અટકવાનુ નામ જ લેતી નથી
શ્રી કૃષ્ણ જ્વેલર્સમાં ત્રાટકેલા તસ્કરો લાખોની ચાંદી સહિત રોકડની ચોરી કરી
આશરે 6 મહિના પહેલા પણ આ જ દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો
સુરતમાં ગુનાખોરી જાણે અટકવાનુ નામ જ ન લઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલ શ્રી કૃષ્ણ જ્વેલર્સમાં ત્રાટકેલા તસ્કરો લાખોની ચાંદી સહિત રોકડની ચોરી કરી ભાગી છુટતા પોલીસ પેટ્રોલિંગ સામે સાલો ઉભા થયા છે.
સુરતના પાંડેસરાના બમરોલી મેઈન રોડ પર આવેલી શ્રીકૃષ્ણ જ્વેલર્સમાં વહેલી સવારે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા તસ્કરોએ લોકોથી ધમધમતા બમરોલી મેઈન રોડ પર આવેલ શ્રીકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટક્યા હતાં. દુકાનના ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ કરી તસ્કરો અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું તથા 25 હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. ચોરી બાદ પુરાવા ન મળે તે માટે ચોરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. તો આશરે 6 મહિના પહેલા પણ આ જ દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સ્થાનિક લોકો જાગી જતાં ચોરો ભાગી છૂટ્યા હતા. આ વખતે તસ્કરો પોતાના ઈરાદામાં સફળ રહ્યા હતાં. જો કે પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
