એસઆઈઆરની આડમાં મતાધિકારથી વંચિત રાખવાનુ ષડયંત્ર
સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 ના દૂરૂપયોગનો વિરોધ
ફોજદારી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરાયો
એસઆઈઆરની આડમાં દેશની જનતાને મતાધિકારથી વંચિત રાખવાનુ ષડયંત્ર રચાઈ રહ્યુ હોવાના આક્ષેપ સાથ સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7ના દૂરૂપયોગ કરનારાઓ સામે ફોજદારી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરાયો હતો.
સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છિનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોક પ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતની લોકશાહીને કમઝોર બનાવવાના ઉદ્દેશથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટેભાગે જે-તે સ્થળે વસવાટ કરતાં તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે. તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિતશત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ-7નો દુરૂપયોગ કર્યો છે જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે. લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઉભી છે. આવા ફોર્મ ભરનાર તમામ વિરૂદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે. આવા તત્વોએ દંડાત્મક સજાના ડરથી વાંધા પરત ખેંચ્યા હતા પરંતુ જે-તે સમયે વાંધા રજુ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતો કે તે ખોટી ફરિયાદ કરી રહ્યાં છે એટલે ખોટી રીતે ફોર્મ-7 ભરનાર એકપણ શખ્સને બખ્શવામાં ન આવે એવી માંગણી કોંગ્રેસ દ્વારા દોહરાવવામાં આવી હતી.
