પૂજા રાજગોરની રાજકોટ ડીસીપી સામે કોર્ટમાં ફરિયાદ,
સીપી ઓફિસ, હોટલ સહિતના સીસીટીવી ફૂટેજ પણ માગ્યા,
અમિત ખૂંટ આત્મહત્યા દુષ્કર્મ કેસમાં નવો વળાંક
રાજકોટ જિલ્લાના રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાએ કોર્ટમાં કહ્યું હતું કે અમિત ખૂંટે દુષ્કર્મ કર્યું હતું તેમજ હું અનિરુદ્ધસિંહ કે રાજદીપને ઓળખતી નથી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના માણસોએ મને 6 લોકોનાં નામ આપી દેવા કહ્યું હતું. હવે અમિત ખૂંટ કેસની આરોપી અને મોડલિંગ કરતી પૂજા રાજગોરે ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે.
રાજકોટના રીબડામાં તારીખ 5 મેના રોજ સુસાઈડ નોટ લખી અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ આ સુસાઈડ નોટના આધારે મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષભાઈ દામજીભાઇ ખૂંટે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે મળીને પૈસા આપી છોકરિયું એક સગીર તથા મીડિયામા બોલે છે તે પૂજા રાજગોરે હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કર્યો છે, જેથી મારી ફરિયાદ છે કે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, એક સગીરા તથા પૂજા રાજગોરે ભેગાં મળી અમિતને ફસાવવા માટે અગાઉથી નક્કી કરી કાવતરું રચી, મારા ભાઈ અમિતને હનીટ્રેપમાં ફસાવી, બળાત્કારનો ખોટો કેસ કરાવી, બદનામ કરી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતાં અમિતે વાડીએ જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ 6 મેના રોજ પૂજા ગોરની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પૂજા ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જોકે કોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસમાં આરોપી એવી પૂજા રાજગોર હવે ફરિયાદી બની ગઈ છે. અમિત ખૂંટ કેસની આરોપી અને મોડલિંગ કરતી પૂજા રાજગોરે ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરતા કહ્યું છે કે આ ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધની હોવાથી જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ ન હોવાથી હાલની ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે.
આ અંગે પૂજા રાજગોરના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલે જણાવ્યું કે, પૂજાબેન રાજગોરે રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે, 3 મેના રોજ સગીરાએ પોક્સોની ફરિયાદ દાખલ કરતા તેમને 5 તારીખે મેડિકલ માટે બોલાવવામાં આવ્યા હતા અને તે જ દિવસે અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો છતાં તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા અને સીપી ઓફિસ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી સુરભી હોટલમાં રાખવામાં આવ્યા. હોટલમાં આખી રાત ગોંધી રાખવામાં આવ્યા.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી