નર્મદાના એકતાનગર ખાતે 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ
કેવડિયા ખાતે બે દિવસ પીએમ મોદી રોકાશે
નર્મદા જિલ્લાના એકતા નગર કેવડિયા ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે થવા જઈ રહી છે. વર્ષ 2019થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉજવાતા આ કાર્યક્રમનું આ વર્ષે વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, જેને પગલે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આ વર્ષની ઉજવણીમાં સૌથી મોટું આકર્ષણ ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ રહેશે. મળતી માહિતી મુજબ, દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ નિમિત્તે જે પ્રકારની પરેડનું આયોજન થાય છે, તેવી જ ભવ્ય પરેડ આ વર્ષે એકતા નગર ખાતે યોજાશે. આ પરેડ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. રાષ્ટ્રીય એકતા પરેડની સાથે આ વર્ષે એક અનોખા ઉત્સવનો પણ સંગમ થવા જઈ રહ્યો છે..સ્ટે ચ્યૂ ઓફ યુનિટીના સી.ઈ.ઓ. અમિત અરોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આ વર્ષે 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે. પ્રકાશ વર્ષની ઉજવણીના ભાગરૂપે એકતા નગરીને શાબ્દિક રીતે દુલ્હનની જેમ સજાવવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત તમામ પ્રોજેક્ટ્સ પર LED લાઇટો વડે ભવ્ય રોશની કરવામાં આવશે. એકતા પ્રકાશ વર્ષ’ પૂર્ણ થયા બાદ ‘ભારત પ્રકાશ વર્ષ’ની પણ ઉજવણી કરવામાં આવશે. આમ, દિવાળીના તહેવારોથી લઈને સમગ્ર વેકેશન દરમિયાન કેવડિયા, એકતાનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ભવ્ય કાર્યક્રમો અને રોશનીનો માહોલ રહેશે. આ ભવ્ય આયોજનને પગલે નર્મદા જિલ્લાના એકતા નગરમાં હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, અને આગામી દિવસોમાં અહીં પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળી શકે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
