રાજકોટમાં 38 બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફર્યાં,
દારૂડિયાના પૈસાને પરિવારજનોની હાય લઈ બનાવેલાં મકાનો ધ્વસ્ત
વહેલી સવારે 55 દબાણો દૂર કરાયાં
દારૂડિયાના પૈસા ને પરિવારજનોની હાય લઈ બૂટલેગરોએ બનાવેલાં મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. રાજકોટમાં 38 બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફરી વળ્યા છે. વહેલી સવારે શરૂ કરેલી કામગીરીમાં 55 દબાણો દૂર કરાયાં છે. આ તમામે તમામ આરોપી પર પ્રોહિબિશન, અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોનાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે તા.19 મે, 2025 ના વહેલી સવારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરનાં 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગર પાલિકા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં છે. ગૃહમંત્રી અને DGP સાહેબની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્ત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે, સાથે તેમનાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેમના 55 કરતાં વધુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે એ રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઇ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલા આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું મકાન હતું. આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત ગત શુક્રવારે પણ રાજકોટના પોપટપરા શેરી નંબર 14માં આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવીને એને તોડી પાડવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રેયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી સતત ચાલુ જ રહેશે, જેટલા પણ ગુનેગારો છે તેમનાં મકાન આઈડેન્ટિફાય કરી ગેરકાયદે દબાણ હોય તો એને તોડી પાડવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી