બારડોલીમાં ઔદીચ્ય બ્રાહ્મણ સમાજનો સંસ્કાર ભવન ખાતે કાર્યક્રમ
૧૮ મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પર્વ ભવ્ય રીતે યોજાયો
બારડોલી ખાતે પાલવાડા ઔદીચ્ય બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આયોજિત ૧૮મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમ રૂક્ષ્મણીબાઇ અને તુષારમંગળા સંસ્કાર ભવન ખાતે યોજાયો હતો, જેમાં સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહિલા મંડળના પ્રમુખ નીતાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મનીષાબેન વ્યાસ, ખજાનચી નીલમબેન પાઠક તથા મંત્રી ધારિત્રીબેન દેસાઈ સહિત સમગ્ર ટીમે આયોજનને સુવ્યવસ્થિત અને યાદગાર બનાવ્યું હતું. કાર્યક્રમમાં તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા મળી હતી. આ સંસ્કાર પર્વમાં કુલ ૧૦ બટુકોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઇ (યજ્ઞોપવિત) ધારણ કરાવવામાં આવી હતી. વિધિનું સંચાલન કર્મકાંડી બ્રાહ્મણ શ્રી કેનીભાઇ શુકલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતરિવાજો સાથે વિધિ પૂર્ણ કરાવી, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યજ્ઞોપવિત સંસ્કારના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી નવી પેઢી આ પરંપરાની મહત્તા સમજી શકે. અંતે સૌએ સંસ્કાર પર્વને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ દાતાશ્રીઓ, આયોજકો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે પાલવાડા ઔદીચ્ય બ્રાહ્મણ મહિલા મંડળનો આ પ્રયાસ સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવાનો એક ઉત્તમ દાખલો પુરવાર થયો હતો….
